Ramanlal soni biography templates
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: રમણલાલ સોની
સોની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’ (૨૫-૧-૧૯૦૧૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય.
સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય.
એમનો બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’ (૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’ (૧૯૪૬), ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’ (૧૯૫૦), ‘ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું’ (૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહંત અને નંદિય’ (૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’,(૧૯૭૭), ‘ભોળા ભાભા’ (૧૯૭૭), ‘ચટકચંદ ચટણી’ (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે.
‘રામાયણ કથામંગલ’ (૧૯૪૬), ‘ઉપનિષદ કથામંગલ’ (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ’, ‘રામરાજ્યના મોતી’ (૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે.
‘સિંહાસનબત્રીસી’ (૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), ‘વીર વિક્રમ’, ‘ઇસપની બાલવાતો’ (૧૯૮૨) વગેરેમાં અદ્- ભુતરસિક બાળવાર્તામાળાઓ છે.
‘છબીલો લાલ’ (૧૯૫૯), ‘થાથા ! થેઈ ! થેઈ !’ (૧૯૫૯) ‘અમથો કારભારી ને ફૂલો ઠાકર’ (૧૯૫૯), ‘ભગવો ઝંડો’ (૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો’ (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન ‘રમણ સોનીનાં બાળનાટકો’ (૧૯૭૯)માં થયું છે. ‘રમણ સોનીનાં બાળકાવ્યો’ (૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે.
એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે તેવાં છે. ‘રમણ સોનીનાં બાળજોડકણાં’ (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. ‘કિશોર રહસ્યકથામાળા’ (૧૯૬૭), ‘ટાગોરની દ્રષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’ (૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના ઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’ (૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે.
‘શંકરાચાર્ય’ (૧૯૪૮), ‘શ્રી કેશવચંદ્રસેન’ (૧૯૪૮), ‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), ‘ગુરુદેવ રવીન્દ્રનાથ’ (૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. ‘અમૃતકથા’ (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની લોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’ (૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’ (૧૯૮૩)માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે.
એમના વાર્તાસંગ્રહ ‘ચબૂતરો’ (૧૯૩૨)માં બાઇબલ-બોધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ છે. ‘બ્રહ્મપુરીનો બ્રાહ્મણ’ (૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ‘ગુજરાતનાં યાત્રાધામો’ (૧૯૭૧) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ (૧૯૬૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે.
બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ‘સ્વામી’ (૧૯૩૪), ‘શ્રીકાંત’ (૧૯૩૭), ‘કથા ઓ કાહિની’ (૧૯૪૧), ‘સંન્યાસિની’ (૧૯૪૩), ‘ચોખેરવાલી’ (૧૯૪૬), ‘ગોરા’ –ભા. ૧-૨ (૧૯૪૬), ‘પથેરદાબી’ (૧૯૫૭), ‘વિરાજવહુ’ (૧૯૫૭), ‘બડી દીદી’ (૧૯૫૭) વગેરે એમના સફળ અને સંનિષ્ઠ અનુવાદો છે.
‘ભારતની કહાણી’ (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે’ (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ’ (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ’ વગેરે એમનાં અન્ય અનુવાદપુસ્તકો છે.
-નિરંજન વોરા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.